રાષ્ટ્રિયશિક્ષણનીતિ– ૨૦૨૦નાપરીપેક્ષમાંગુરુકુળમહિલાકોલેજ
“Education makes a person capable to face struggle, builds his character, makes him philanthropist and instills courage in him.”– Swami Vivekananda
શિક્ષણના મુખ્યત્વે ચાર ધ્યેય છે: ૧) કશુંક જાણવા માટે શીખવું (Learning to Know), ૨) કશુંક કરવા માટે શીખવું (Learning to Do), ૩) જીવવા માટે શીખવું (Learning to Live) અને ૪) કશુંક બનવા માટે શીખવું (Learning to Be). રાષ્ટ્રિય શિક્ષણ નીતિ- ૨૦૨૦એ ૨૦૨૦નાં વર્ષથી જ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે. અનેક બુદ્ધિજીવીઓ આ સંદર્ભે ચિંતન-મનન કરી ચુક્યા છે અને હજુ પણ કરે છે. મારી નજરે રાષ્ટ્રિય શિક્ષણ નીતિ- ૨૦૨૦એ શિક્ષાનાં ચારેય ધ્યેયોને વરેલી શિક્ષણ નીતિ છે.
ગુરુકુળ મહિલા કોલેજ ૧૯૬૬થી શરૂ થયેલી અખંડ જ્ઞાનની સરવાણી છે કે જે દાયકાઓથી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ- ૨૦૨૦એ આપેલા પાસાઓને અનુસરે છે. ચાલો આજે આપણે જાણીએ રાષ્ટ્રિય શિક્ષણ નીતિ- ૨૦૨૦ના પરીપેક્ષમાં ગુરુકુળ મહિલા કોલેજ:
૧) કશુંક જાણવા માટે શીખવું (Learning to Know): નવી શિક્ષણનીતિ અનુસાર સ્કીલ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્ય વિકાસ એ ‘લર્નિંગ ટુ નો’ નો જ એક ભાગ છે. શિક્ષણના આ પ્રથમ ધ્યેય અનુસાર નવી શિક્ષણનીતિ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને તેમજ આવડતને ખીલવે છે. ગુરુકુળ મહિલા કોલેજ વર્ષોથી આ ધ્યેયને વળગેલી છે અને એનું ઉદાહરણ છે અવનવા કૌશલ્ય વિકાસના એટલે કે હેન્ડ્ઝ ઓન લર્નિંગનાં કોર્સિસ. જેમાં કમ્પ્યુટર, સીવણ, સૌંદર્ય કળા, વ્યક્તિત્વ વિકાસ વગેરે જેવા અદ્યતન અભ્યાસક્રમથી વિદ્યાર્થીનીઓ વિકાસશીલ તેમજ વિકસિત બની છે.
૨) કશુંક કરવા માટે શીખવું (Learning to Do): આ શિક્ષણનું દ્વિતીય ધ્યેય છે. નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ અર્થ ઉપાર્જન માટે પણ એક ખાસ તક ઊભી કરે એવું હોવું જોઈએ. ભારત સરકારે ઘણા બધા MOOCs (Massive Online Open Courses) ઉપલબ્ધ કરાવ્યા જ છે અને તે નવી શિક્ષણ નીતિનું એક આગવું પગલું છે. એ જ રીતે ગુરુકુળ મહિલા કોલેજ પણ દર વર્ષે પ્લેસમેન્ટ ફેર એટલે કે રોજગાર મેળામાં વિદ્યાર્થીનીઓની બહુમૂલ્ય નોંધણી કરાવી અને તેઓના આર્થિક ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે. આ ઊપરાંત કોલેજમાં શીખવવામાં આવતા કોર્સીસ વિદ્યાર્થીનીઓના આર્થિક વિકાસ માટે ઘણી બધી તકો ઊભી કરે છે. વિદ્યાર્થીનીઓ આમાંથી કંઈ શીખી અને બે પરિવારને એટલે કે પોતાના પિતાના ઘરને અને પતિના ઘરને ઉજ્જવળ કરે છે.
૩) જીવવા માટે શીખવું (Learning to Live):અંગ્રેજીમાં એક સુવાક્ય છે કે, “Education is not preparation of Life but Life itself”. આમ શિક્ષણ એ જીવવા માટે છે, તો શિક્ષણનું તૃતીય ધ્યેય છે જીવવા માટે શીખવું. ઈશ્વરે જીવમાત્ર ને જીવન આપેલું છે પરંતુ એવું શું છે કે જે મનુષ્યને દરેક પ્રાણીઓની કક્ષાથી ઉત્કૃષ્ટ બનાવે છે? એ છે સંસ્કૃતિ અને સભ્યતા. સંસ્કાર અને સંસ્કૃતિ ભલે જન્મગત હોય પરંતુ સભ્યતા શિક્ષણગત હોય છે અને આમ નવી શિક્ષણનીતિ આ વિચારને સમજે છે અને એટલા માટે જ દરેક પ્રદેશને, રાજ્યને, રાષ્ટ્રને મળેલી સંસ્કૃતિને સાચવવા માટે એક સાંસ્કૃતિક પાસું પણ અભ્યાસક્રમમાં ઉમેરે છે. તેથી અહીં ‘Go back to your Roots’ (તમારા મૂળ તરફ પાછા ફરો) ઉકિત યથાર્થ ઠરે છે.
ગુરુકુળ મહિલા કોલેજ સંસ્કૃતિ તેમજ પરંપરાનો જાણે કે પર્યાય છે. દાયકોથી શિક્ષણયજ્ઞમાં સંસ્કૃતિ, સંસ્કાર તેમજ પરંપરાની આહુતિ આપે છે. વિદ્યાર્થીનીઓ દ્વારા દરરોજ કરવામાં આવતો મંત્રોચ્ચાર, સંધ્યા હવન, વેદની ઋચાઓ, સતત ચાલતા ૐકારનાં નાદ આ બધી ભારતીય વૈદિક સંસ્કૃતિ છે, પરંપરા છે.
૪) કશુંક બનવા માટે શીખવું (Learning to Be):અહીં મને એક ખૂબ સુંદર વાત યાદ આવે છે કે, એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું કે મારે શું બનવું જોઈએ? અને તેના ગુરુએ ખુબ સુંદર ઉત્તર આપ્યો કે તારે એક સારા માણસ બનવું જોઈએ, આજે આ ક્ષેત્રમાં હરીફાઈ ખૂબ ઓછી છે…
શિક્ષણનું ધ્યેય રાષ્ટ્રના સારા અને સાચા નાગરિકો પેદા કરવાનું છે. કોઈ વ્યક્તિ ભલે શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર કે પછી ગમે તે હોય પરંતુ સૌ પ્રથમ એક માણસ છે, પોતાના રાષ્ટ્રનો એક સાચો નાગરિક છે. આમ શિક્ષણનું ચતુર્થ ધ્યેય છે, કશુંક બનવા માટે શીખવું. નવી શિક્ષણ નીતિનું એક પાસું છે, દરેક વિદ્યાર્થીમાં રાષ્ટ્રીયતાને ઉજાગર કરવી અને એ કાર્ય માત્ર શિક્ષણથી જ થઈ શકે. ગુરુકુળ મહિલા કોલેજ આ વિચારને સુપેરે સમજે છે અને તેથી જ કોલેજમાં ભણતી દરેકેદરેક વિદ્યાર્થીનીઓમાં રાષ્ટ્રીયતાને ઉજાગર કરવામાં મોખરે છે. કોલેજમાં ઉજવાતા રાષ્ટ્રીય તહેવારો અને અવનવા રાષ્ટ્ર સેવાને લગતા કાર્યો એમનું જવલંત ઉદાહરણ છે.
આમ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ એ ગુરુકુળ મહિલા કોલેજ માટે નવી બાબત નથી. એનું કારણ એ છે કે ગુરુકુળ મહિલા કોલેજ શિક્ષણના આ ચારેય પાસાઓને ધ્યાનમાં રાખીને વર્ષોથી કાર્યરત છે. હા, ઘણા એવા નવા મુદ્દાઓ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ચોક્કસ છે કે જે સુવર્ણને વધારે ઉજળું બનાવશે, સોનામાં સુગંધ ઉમેરશે. તો ચાલો આપણે સૌ આ દેદીપ્યમાન કાર્યને પુરુષાર્થના પારસમણીથી દીપાવીએ…
Ms. Aditi D Dave