ગુરુકુળ મહિલા કોલેજમાં મેં જોયેલા સકારાત્મક પરિવર્તનો…
વર્ષ ૨૦૧૭-૧ ૮ના જુન મહિનાની ૧૫મી તારીખે મને અહીં ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. કોલેજનું વાતાવરણ અહીં થતાં સત્કાર્ય અને કંઇક અંશે ચાલતી ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિના કારણે સારી ઊર્જા ધરાવતું હતું. મને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનો લ્હાવો પણ મળેલો એટલે ત્યાંના વાતાવરણનો પણ મને સુપેરે પરિચય મળ્યો છે.
અંગ્રેજીમાં એવું કહેવાય છે કે, ‘Progress is impossible without change’- પરિવર્તન વગર વિકાસ શક્ય નથી.
કોલેજની વાત કરું તો કોલેજમાં આવેલું સૌપ્રથમ પરિવર્તન એટલે કોલેજને સરકાર તરફથી મળેલા નવા પ્રાચાર્ય શ્રી ડૉ. અનુપમ નાગર સાહેબ. જેઓ પછીથી ગુરુકુળમાં આવેલા મોટાભાગના સકારાત્મક પરિવર્તનોના નિમિત્તરૂપ બની રહ્યાં છે.
સૌપ્રથમ જો અધ્યયન અધ્યાપનની વાત કરું તો પહેલા પણ કોલેજના પ્રાધ્યાપકો સંપૂર્ણ નિષ્ઠાથી દરેક વર્ગમાં અધ્યાપનનું કાર્ય કરતા હતા. પરંતુ આજે અધ્યાપકોની સાથે સાથે વિદ્યાર્થીનીઓમાં પણ અધ્યાપન સંદર્ભે શિસ્ત તેમજ નિષ્ઠા આવેલી જણાય છે. તે ઉપરાંત પહેલા સ્નાતક વિભાગમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી તેમજ હોમ સાયન્સ એમ વિનયન વિભાગના ચાર જ વિષયો ઉપલબ્ધ હતા, જ્યારે આજે પાંચમુ અર્થશાસ્ત્ર પણ ઉમેરાયું છે. તે ઉપરાંત અનુસ્નાતક કક્ષામાં અંગ્રેજી સાથે વિનયન વિભાગમાં તેમજ આંકડાશાસ્ત્ર સાથે વાણિજ્ય વિભાગમાં વિદ્યાર્થીનીઓ પોતાનું અધ્યયન કાર્ય કરે છે જે સરાહનીય છે.
અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થીનીઓ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ N.S.Q.F. ના ઘણા બધા અભ્યાસક્રમોથી પોતાના જ્ઞાનની સાથે સાથે કૌશલ્યમાં પણ વધારો કરે છે.
થોડાક વર્ષો પહેલા કોલેજની વિદ્યાર્થીનીઓ માત્ર અભ્યાસક્રમ તેમજ થોડી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પોતાનો સારો દેખાવ કરતી હતી. પરંતુ 2018 ના જાન્યુઆરી માસમાં એક ગૌરવ લેવા જેવી ઐતિહાસિક બાબત બની હતી અને એ છે આંતરરાષ્ટ્રીય સેમિનાર અને એ પણ પાછા અમેરિકન લેખક અને ચિંતક એવા હેનરી ડેવિડ થોરો અને ભારતીય વિચારો પર! આ એક ખૂબ મહત્વની ઘટના ગણી શકાય જેમાં વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલ અને પોતાના શોધપત્રો ગુજરાતી હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં રજૂ કરેલ. તે ઉપરાંત મહાત્મા ગાંધીજીના જીવન પર મહાત્મા ગાંધી: જીવન અને જીવન ઉપરાંત અને રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના જીવન અને કવન પરના આંતરરાષ્ટ્રીય સેમિનાર તો ખરા જ. કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ગામડાના છેવાડાના વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થીનીઓ આ રીતે પોતાનું સંશોધન કાર્ય કરી શકે છે અને પોતાનામાં રહેલી સંશોધનની આવડતને ખીલવી શકે છે.
જો હું ગુરુકુળની સંરચનામાં થયેલા ફેરફારની વાત કરું તો આગળના વર્ષોમાં જેને કોલેજનો અગોચર વિસ્તાર કહેવાતો ત્યાં આજે એક સુંદર મજાનો બગીચો આકાર લઇ ઉભો છે. માત્ર કોલેજ જ નહીં પરંતુ ગુરુકુળ હોસ્ટેલ, આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની હોસ્ટેલ, આ સંકુલમાં જ આવેલું ભારત મંદિર, તારામંદિર, સ્મૃતિ મંદિર વગેરે બધા સ્થાપત્યો માણવા અને વખાણવા લાયક થયા છે.
વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુરુકુળ વર્ષોથી પ્રયત્નશીલ રહ્યું છે અને છેલ્લા થોડાક વર્ષોથી તો માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ બીજી ઘણી પ્રવૃત્તિઓથી ગુરુકુળ કૉલેજ ધમધમે છે. કોલેજની શરૂઆતથી જ અહીં સપ્ત ધારા ની પ્રવૃત્તિઓ ચાલતી હતી પરંતુ આજે તેમાં અભ્યાસ વર્તુળ, અવનવા કાર્યક્રમો, રમતગમત, સંગીત વગેરે આ કોલેજની યશ કલગીમાં વધારો કરે છે. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ તો વધે જ છે પરંતુ સાથે સાથે તેઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને બીજી વિદ્યાર્થીનીઓ પણ તેમાંથી પ્રેરણા લે તે હેતુથી સુવર્ણ ચંદ્રક જેવા અવનવા પારિતોષિકો પણ અર્પણ કરાય છે.
આમ તો ગુરુકુળ મહિલા કોલેજ સમાજ માટે એક આદર્શ રૂપ છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તે માત્ર આદર્શ વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ આદર્શ નેતાઓને ઘડવાનું પણ કામ કરે છે. વિદ્યાર્થીનીઓમાં નેતૃત્વની શક્તિ વધે અને એક આદર્શ નેતા તરીકે તેઓ ઉભરી આવે તેની તાલીમ અહીંથી જ અપાય છે અને એ તાલીમ એટલે કે કોલેજ ટાસ્ક ફોર્સ તેમજ સ્ટુડન્ટ કાઉન્સિલ. જેમાં વિદ્યાર્થીનીઓ પોતાના અલગ-અલગ હોદ્દા પ્રમાણે કોલેજના કાર્યક્રમોમાં ભાગ લે છે અને પોતાનામાં રહેલા નેતૃત્વના ગુણોનું અન્યમાં સિંચન કરે છે.
શરૂઆતથી જ આર્ય કન્યા ગુરુકુળ દૈનિક સંધ્યા-હવન, સ્ત્રી સશક્તિકરણના કરાટે જેવા કાર્યક્રમો, રાષ્ટ્રીય પર્વની ઉજવણી વગેરે જેવી વિશિષ્ટ પ્રવૃત્તિઓથી સુસજ્જ હતું જ પરંતુ આજે ગુરુકુળ મહિલા કોલેજ સ્વતંત્ર રીતે આ કાર્યક્રમો કરે છે. દર ગુરુવારે વિદ્યાર્થીનીઓ દ્વારા જ કરવામાં આવતો યજ્ઞ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સ્વતંત્રતા પર્વ, શિક્ષક દિન, ગાંધી જયંતી, પ્રજાસત્તાક પર્વ વગેરે જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, NCC, SCOPE, રમતગમતની પ્રવૃત્તિઓ અને તેમાં પણ ખાસ કરીને ગુરુકુળ મહિલા કોલેજ હોસ્ટેલમાં થતી વિવિધ પ્રવૃત્તિઓથી આજે ગુરુકુળ મહિલા કોલેજ શ્રેષ્ઠતાના શિખરો સર કરી રહી છે.
ખરેખર, છેલ્લા પાંચ વર્ષોમાં આવેલું પરિવર્તન આવનારા સૌ કોઈને ઊડીને આંખે વળગે તેવું છે. જો આ જ રીતે સારા પરિવર્તનો થયા કરે તો ગુરુકુળ મહિલા કોલેજ વિશ્વમાં સારી નામના બનાવે તેમાં કશી જ નવાઈ નથી.